“કુછ
એસા કર કે દિખા, ખુદ ખુશ હો જાયે ખુદા...”
છેલ્લા ત્રણ વરસથી ખેલમહાકુંભમાં
જીલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવતો આદલસરનો દિવ્યાંગ યુવાન સુરેશ.
લખતર તાલુકાથી ત્રણ કી.મી. દુર આવેલ
નાના એવા આદલસર ગામનાં દિવ્યાંગ યુવાને ત્રણ વર્ષની વયે તાવમાં પગ ગુમાવ્યાં બાદ
પણ પોતે હિમ્મત ન હારી અને હાલમાં સતત છેલ્લા ત્રણ વર્ષથી જીલ્લાકક્ષાએ
ખેલમહાકુંભમાં પ્રથમ નંબર મેળવી આજનાં યુવાનો માટે પ્રેરણા બનેલો જોવા મળે છે.
લખતર તાલુકાનું આદલસર ગામ. આ ગામની લગભગ
હજારેકની વસ્તી. અને આ ગામમાં કમાભાઈ મુળાભાઈ સોલંકીનો પરિવાર રહે. આ સોલંકી
પરિવારમાં કમાભાઈ અને રંભાબેન કમાભાઈ ખેતમજુરી કરી ઘરનું ગુજરાન ચલાવે. અને તેમને
સંતાનોમાં ચાર સંતાનો. તેમાં અનુક્રમે સુરેશ, હંસા,રંજન અને જગદીશ. આ ચાર
સંતાનોમાં સૌથી મોટો સુરેશ. તેનો જન્મ ૧ જૂન ૧૯૭૪નાં રોજ થયેલો.
આ સુરેશ ત્રણ વર્ષનો હતો ત્યારે તેને ભારે તાવ આવેલ. અને તે જમાનામાં કોઈ
એવી એલોપેથી સારવાર નજીકમાં ઉપલબ્ધ ન હતી. આથી સુરેશનો પગ માત્ર ત્રણ વર્ષની ઉંમરે
ખેંચાઈ ગયેલ. ત્યારબાદ તે દિવ્યાંગ બનેલ. બાદમાં તેણે તેનો પ્રાથમિક અભ્યાસ પોતાના
ગામની એટલે કે આદલસર ગામની પ્રાથમિક શાળામાં કરેલ. અને માધ્યમિક તથા ઉચ્ચતર અભ્યાસ
તાલુકામથકની સર જશવંતસિંહજી હાઈસ્કુલમાં કરેલ. ત્યારે તેની લગ્નની ઉંમર થતાં તેના
માતા-પિતાએ વિરમગામ તાલુકાનાં લીયા ગામનાં પોપટભાઈ તથા ચંપાબેન મકવાણાની દિકરી
રમીલાબેન સાથે આજથી દસેક વરસ પહેલાં લગ્ન કરાવેલ.
અને આજથી પંદરેક વરસ પહેલાં એટલે કે ૨૦૦૪ની સાલમાં પાર્ટટાઈમ પટ્ટાવાળા
તરીકે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી શરુ કરેલ. અને તેનામાં ખાસ વાત તો એ
છે કે એ પાંખ તૂટી ગયેલી હોય કે કોઈ પક્ષી ઘવાયું હોય તો પોતે તેને ટાંકા લઇ
સારવાર કરે છે. ત્યારે તે પોતાની ટ્રાઇસિકલમાં પણ આ પક્ષીની સારવાર માટેનાં સાધનો
સાથે લઈને જ ફરે છે. અને તે રોજે લખતરથી ત્રણ કી.મી. દુર આવેલ આદલસર ગામથી અપ-ડાઉન
કરે છે.
ત્યારે આવામાં તેણે વર્તમાનપત્રમાં રાજ્યસરકાર દ્વારા દરવર્ષે યોજવામાં
આવતાં ખેલમહાકુંભ સ્પર્ધા વિશે વાંચ્યું. અને એક સંસ્થા દ્વારા તેને આ અંગેની વધુ
જાણકારી મળી. ત્યારથી તેણે આ ખેલમહાકુંભની સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કરી લીધું
હતું. અને તેને એક સંસ્થા દ્વારા ટ્રાયસિકલ ભેટમાં મળેલ. ત્યારે તેણે ૨૦૧૬નાં
વરસમાં ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રાયસિકલની સ્પર્ધામાં ફોર્મ ભર્યું. અને
ત્યારબાદ તે આદલસરથી લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રએ નોકરીએ આવે ત્યારે સવારમાં
વહેલાં કોઈ રસ્તા ઉપર ન હોય એટલે ટ્રાયસિકલ સ્પીડથી ચલાવે. અને તેની આ
પ્રેક્ટીસનું પરિણામ સુરેશનો ૨૦૧૬નાં વર્ષમાં ખેલમહાકુંભમાં ટ્રાયસિકલ સ્પર્ધામાં
જીલ્લાકક્ષાએ પ્રથમ નંબર આવેલ.
ત્યારબાદ તેના પછીનાં વરસમાં એટલે કે ૨૦૧૭માં ટ્રાયસિકલને બદલે ચક્રફેંકમાં
ભાગ લેવાનું નક્કી કરેલ. અને કહેવાય છે ને કે, “અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી” તેમ તેણે પહેલાં
નંબરે આવવાનો જાણે મનસુબો નક્કી કરેલ. અને એ વર્ષે પણ ચક્રફેંકમાં પ્રથમ નંબર
મેળવેલ. અને ત્યારબાદ ૨૦૧૮માં પણ ચક્રફેંકમાં ભાગ લીધેલ. અને તે વર્ષમાં પણ તેણે
જીલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવેલ.
આમ આ લખતર તાલુકાનાં આદલસર ગામનો દિવ્યાંગ યુવાન સુરેશ છેલ્લા ત્રણ વર્ષથી
ખેલમહાકુંભમાં જીલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવી “કર
હર મેદાન ફતેહ”
ની પંક્તિ સાર્થક કરી રાજ્યમાં લખતર તાલુકાનું તેમજ નાના એવા આદલસરનું નામ રોશન
કરે છે.
આમ આ લખતર તાલુકાનાં આદલસર ગામનો દિવ્યાંગ યુવાન સુરેશ જાણે નાની-નાની
વાતમાં હાર માની લેતાં યુવાનોને “બીમારીએ
પગ છીનવ્યા, જુસ્સો નહીં”
તેવું કહેતા મોટીવેટ કરતો જોવા મળે છે.
-ધવલ આચાર્ય


Comments
Post a Comment